Click here to read in English
અમે સહકુટુંબ 4 દિવસ 5 રાત્રિની આબુ-દેલવાડા-પાવાપુરીની સફર પર રાજસ્થાન ગયેલા. આ યાત્રા 11 સપ્ટેંબરથી 16મી સપ્ટેંબર સુધીની હતી. આ લેખ એ નાનકડુ પ્રવાસવર્ણન છે. અમે ઘણા બધા ફોટા પાડ્યા, અને હું એ બધા ફોટા અહીં એમ્બેડ કરી આ પોસ્ટને બ્રાઉઝર માટે ભારે ભરખમ બનાવવા નહોતો માગતો, એટલે દરેક ફોટા મેં પિકાસા પર અપલોડ કર્યા છે. દરેક ફોટાની લિંક પણ ઉચિત જગ્યાએ આપેલી છે. જો તમે આ બાજુ આવવાનું વિચારતા હો તો અહીં એવી ઘણી બધી માહિતી છે જે તમારે કામ આવી શકે. તો વાંચો આ પ્રવાસવર્ણન !
11મી સપ્ટેંબર રાત્રે 9 વાગે: બાન્દ્રા ટર્મિનસ.
અરવલ્લી એક્સપ્રેસ. આબુ રોડ સુધીનો 13 કલાકનો પ્રવાસ. હુ લગભગ આખી રાત ઉંઘી શક્યો નહિ. સવારે આબુ રોડ પહેલાનુ સ્ટેશન પાલનપુર હતુ. આખા પ્રવાસનો પહેલો ચોંકાવનારો અનુભવ એ થયો કે પાલનપુર સ્ટેશન પર ઘણા બાળકો વિવિધ વસ્તુઓ લઇ વેચવા નીકળેલા. તેઓ રેલ્વેના ઓથોરાઇઝ્ડ સ્ટોલમાંથી આવતા હતા. મે આબુ જતી વખતે અને ત્યાંથી પાછા આવતી વખતે આ બાળકોના ફોટા પાડ્યા. જ્યારે મેં તેમને કહ્યુ કે જરા ફોટો પડાવવા એક મિનિટ ઉભા રહેશો? તો તેમણે ઘસીને ના પાડી દીધી! આનાથી સ્પષ્ટ હતુ કે તેમના માંથી કેટલાકને તો ખબર સુધ્ધા હતી કે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે. અહીં કેટલાક ફોટાઓ જુઓ.
12મી સપ્ટેંબર સવારે 10 વાગે: આબુ રોડ.
પહેલા દિવસની આખી સફર નક્કી હતી. અમે આબુ સ્ટેશનથીજ ટેક્સી કરી. પહેલુ સ્ટોપ હતુ અંબાજી.
12મી સપ્ટેંબર સવારે 11 વાગે: અંબાજી.
અંબાજી મંદિરની સામે જ એક જૈન દેરાસર છે. અમે ત્યાં જમી અને કુંભારિયાજી માટે નીકળ્યા. અંબાજી મંદિર તો સાડા બારે ખુલે છે.
12મી સપ્ટેંબર બપોરે 12 વાગે: કુંભારિયાજી તીર્થ.
કુંભારિયાજી 9મી સદીનું એક પ્રાચીન જૈન તીર્થ છે. તેમાં પાંચ દેરાસરો છે. તેનુ મુખ્ય દેરાસર વિમળશા દ્વારા 9મી સદીમાં બનાવવામાં આવ્યુ. બાકીના ચાર દેરાસરો વસ્તુપાળ-તેજપાળના સમયમાં બનાવવામાં આવ્યા છે. દેરાસરો સવારે 8 થી 12 ખુલ્લા રહે છે, અને અમને ફક્ત 3 દેરાસરોમાંજ પૂજા કરવા મળી (અમે નાહીને તો 1 વાગે તૈયાર થયેલા). અહીંનુ મુખ્ય દેરાસર નેમિનાથ ભગવાનનું છે. બાકીના ચાર દેરાસર મહાવીરસ્વામી, પાર્શ્વનાથ, શાંતિનાથ અને સંભવનાથ ભગવાનના છે. સત્તરમી સદીમાં થયેલા મુસ્લિમ આક્રમણમાં અહીંની મોટાભાગની મૂર્તિઓ ભંડારી દેવાયેલી, જેનો આજ સુધી પત્તો લાગ્યો નથી.
માત્ર સંભવનાથ ભગવાનના દેરાસરમાં આજુ બાજુ દેરીઓ નથી. બાકીના ચારે દેરાસરમાં દેરીઓ છે. તે પૈકી માત્ર મહાવીરસ્વામી ભગવાનના દેરાસરની દેરીઓમાંજ મૂર્તિઓ છે. મહાવીરસ્વામી અને પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં કોતરણીઓ પણ છે. ફોટા પાડવા માટે અહીં ચાલીસ રૂપિયા ભરી પરવાનગી લેવી પડે છે. અહીં આ તીર્થના ફોટાઓ જોઇ શકશો.
12મી સપ્ટેંબર બપોરે 3 વાગે: અંબાજી.
અત્યારે અંબાજી મંદિર ખુલ્લુ હતુ. અમે દર્શન કરી આવ્યા, પછી મમ્મી અને વૈશાલી બંગડીઓ લેવા માટે ઉભા રહ્યા (લગનની ખરીદી). લગભગ કલાક પછી અમે પાવાપુરી તરફ પ્રયાણ કર્યુ. વચ્ચે હાઇવે પર જ આવેલા બ્રાહ્મણવાડાજી તીર્થના દર્શન પણ કર્યા. અંબાજીના આ એકમાત્ર ફોટાને જુઓ.
12મી સપ્ટેંબર સાંજે 5 વાગે: બ્રાહ્મણવાડાજી તીર્થ.
આ જીવિત મહાવીર પ્રભુની વિહાર ભૂમિ છે. કાનમાં ખીલા ઠોકાવાનો ઉપસર્ગ તેમને આ જગ્યા પર થયો. આજે પણ વીર પ્રભુના પગલા અહીં પથ્થરની શિલા ઉપર જોવા મળે છે. હવે તે શિલા ઉપર ઉપસર્ગ મંદિર બનાવેલુ છે. અહીં મિનિ-સમેતશિખરની રચના પણ કરવામાં આવી છે. અહીંના દેરાસરના મૂળનાયક ભગવાન સ્વાભાવિક રીતે મહાવીરસ્વામી છે. આ તીર્થ રાજસ્થાનનું પહેલુ આગમ મંદિર છે, જ્યાં 45 આગમ સુવર્ણ અક્ષરે લખવાનું કામ ચાલુ છે. અહીં નવ ગ્રહની શાંતિ માટે નવ જુદી જુદી પ્રતિમાઓ પાંચ પ્રકારના દ્રવ્યોથી બનેલી છે. અહીં ચોવિહાર કરી અમે પાવાપુરી તરફ નીકળ્યા. આ તીર્થના ત્રણ ફોટા અહીં જોઇ શકશો.
12મી સપ્ટેંબર સાંજે સાડા સાતે: પાવાપુરી
જૈન તીર્થોમાં પાવાપુરી ઘણુ આધુનિક છે. અહીં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ તીર્થની પોતાની વેબસાઇટ સુધ્ધા છે. આ વેબસાઇટ પર આસપાસના દરેક તીર્થના ફોન નંબરો આપેલા છે.
અમે જ્યારે પાવાપુરી પહોંચ્યા ત્યારે અહીં કોઇક રાષ્ટ્રીય જૈન પક્ષનું સંમેલન હતુ. આખુ તીર્થ લાલ રંગની રોશનીથી ઝળહળતુ હતુ. અમને અહીંજ રાત રોકાવુ હતુ પણ આ સંમેલનને કારણે એકપણ રૂમ ખાલી નહોતી. એટલે અમે ભેરૂતારક તીર્થ રોકાવાનું નક્કી કર્યુ.
પાવાપુરીના ફોટા અહીં જોઇ શકશો.
પાવાપુરીનો વિડિયો અહીં જોઇ શકશો.
12મી સપ્ટેંબર રાત્રે સાડા નવ: ભેરૂતારકજી તીર્થ
અહીં તેઓ રૂમનું એડવાન્સ બુકીંગ કરતાજ નથી (સંઘ માટે પણ નહિ). અહીં મૂળનાયક ભગવાન પાર્શ્વનાથ ભગવાન છે. અન્ય છ મૂર્તિઓ અહીં છે. ફોટા અહીં જોશો. સવારે પૂજા કર્યા બાદ અમે 11 વાગે મીરપુર તરફ નીકળ્યા.
13મી સપ્ટેંબર બપોરે બાર વાગે: મીરપુર.
પાયધુનીના ગોડીજી પાર્શ્વનાથ ભગવાન પહેલા અહીં સ્થાપિત હતા. લગભગ દોઢસો વર્ષ પહેલા જ્યારે અહીં આક્રમણ થયુ ત્યારે અહીં રહેનારા જૈન ભાઇઓએ મૂળનાયકની મૂર્તિ મુંબઇ મોકલાવી દીધી, જે આજે પણ ત્યાંજ છે. મીરપુરમાં આજે મૂળનાયક પાર્શ્વનાથ ભગવાન છે, અને આસપાસની બાર દેરીઓમાં મોટેભાગે આદેશ્વર ભગવાનની મૂર્તિઓ છે. અહીં કેટલાક ફોટાઓ જુઓ. પહેલા અહીં જૈનોની વસ્તિ હતી, પણ ધીમે ધીમે ઘર ઓછા થતા ગયા અને આજે અહીં કોઇજ વસ્તિ નથી. માત્ર દેરાસરનો સ્ટાફ અહીં રહે છે.
13મી સપ્ટેંબર બપોરે દોઢ વાગે: પાવાપુરી.
અમે પહેલા મીરપુર જમવાનુ નક્કી કરેલુ, પણ ત્યાં કંઇજ ઉપલબ્ધ ન હોવાને કારણે પાવાપુરી જમ્યા. અહીં મોટી પાંજરાપોળ છે જેમાં વિવિધ પ્રકારની 5900+ ગાય અને અન્ય ઢોર છે. અન્ય વિશાળ ધર્મશાળા અને અન્ય સુવિધાઓ છે. અહીં આખો વિસ્તાર એટલો મોટો છે કે અંદર ફરવા માટે તેમણે ઇલેક્ટ્રીક કારની સુવિધા રાખી છે.
13 સપ્ટેંબર બપોરે સાડા ત્રણે: જીરાવલાજી.
જીરાવલા પાર્શ્વનાથની અતિ પ્રાચીન મૂર્તિ અહીં સ્થાપિત છે. નૂતન જીનાલયનું બાંધકામ ચાલુ છે અને તે 2012માં પૂર્ણ થશે. અહીં અત્યારે દરેક મૂર્તિની ચલ પ્રતિષ્ઠા થયેલી છે.
13મી સપ્ટેંબર બપોરે 4 વાગે: મંડારા.
મંડારા તીર્થ નથી. આ એક ગામ છે જ્યાં જૈનોના 700 ઘર છે. અહીં ત્રણ દેરાસરો છે જે પૈકી એક ગામની બહાર છે. અહીં પણ નવા જીનાલયનું કામ ચાલુ છે. પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતી માતાની વિશાળ મૂર્તિ અહીં છે ફોટા અહીં જોઇ શકશો.
બાકીના બે દેરાસર ગામમાં છે. તે પૈકી એકમાં જીવિત સ્વામી ની મૂર્તિ છે. આ મૂર્તિ તે પાંચ મૂર્તિઓમાંથી એક છે જે મહાવીર પ્રભુના ભાઇ નંદીવર્ધને ભગવાન જીવિત હતા ત્યારે તેમના જેવીજ આબેહૂબ મૂર્તિઓ બનાવડાવેલી. એક મૂર્તિ મહુવામાં છે. અહીં આ મૂર્તિ છે તેવુ અમને ખબરજ નહોતી અને આ એક જેકપોટ જેવુ થઇ ગયુ !
13મી સપ્ટેંબર સાંજે સાડા પાંચ વાગે: દત્તાણી તીર્થ.
આ તીર્થ એક નાના ગામમાં આવેલુ છે. આ તીર્થ એક પ્રાચીન ઘરદેરાસરની ભૂમિ ઉપર બનેલુ છે. અહીં મૂળનાયક ભગવાન સીમંધરસ્વામી છે. મુખ્ય દેરાસરની પાછળ એક નાનુ દેરાસર છે જેમાં વીસ વિહરમાન જીનેશ્વરની મૂર્તિઓ છે. અહીં ચોવિહાર કરી અમે આબુરોડ તરફ નીકળ્યા. અહીં ફોટા ઉપલબ્ધ છે.
13મી સપ્ટેંબર સાંજે સાડા સાત વાગે: આબુ રોડ.
અહીં બે દેરાસર એકબીજાની સામે છે. પંદર જ મિનિટમાં દર્શન કરી અમે દેલવાડા તરફ રવાના થયા.
13મી સપ્ટેંબર સાંજે સાડા નવ વાગે: દેલવાડા
અહીં ઠંડી ઘણી વધારે હતી, પવન પણ ફૂંકાતો હતો, અને હવામાન લગભગ મુંબઇના શિયાળા જેવુ હતુ.
14મી સપ્ટેંબર: દેલવાડા
આ સમય અહીં ઓફ સીઝનનો છે. અહીં બહુ ઓછા લોકો હતા. સવારે દેરાસરમાં લગભગ 30 માણસો હશે. અહીં કુલ પાંચ દેરાસરો છે. પહેલા બે આદિનાથ ભગવાનના, અને અન્ય ત્રણ પાર્શ્વનાથ, નેમિનાથ અને મહાવીરસ્વામી ભગવાનના છે. અહીં પણ આક્રમણ થયુ ત્યારે મોટા ભાગની મૂર્તિઓ ખંડિત કરી નાખવામાં આવી હતી. અદ્વિતિય કોતરણીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ. આજે અહીં કોતરણીઓ પાછી કોતરવામાં આવી છે. જ્યા ટૂરિસ્ટો અને યાત્રાળુઓ દર્શન માટે આવે છે, તે ભાગમાં મૂર્તિઓને સરસ રીતે ફરી મૂળ રૂપમાં પાછી લાવવામાં આવી છે, પણ જ્યા વધુ અવરજવર નથી ત્યાંની મૂર્તિઓના અંગો પરની તિરાડ અને સાંધા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. મંદિરની અંદર ફોટોગ્રાફી પ્રતિબંધિત છે.
બપોરે જમીને આરામ કરીને અમે 3 વાગે માઉન્ટ આબુ ગયા. કોઇને કોઇ પોઇન્ટ જોવામાં રસ નહોતો કારણકે આ જગ્યાથી બધાજ પરિચિત હતા. અમે સીધા મુખ્ય બજાર તરફ ગયા. બજારમાં અમારા મતલબની વધારે દુકાનો નહોતી. મમ્મી અને બહેને એક મોટી કપડાની દુકાન પસંદ કરી અને તેમાં લગભગ અઢી કલાક કાઢ્યા. લગન માટેની ઘણી બધી ખરીદી થઇ. અમને નખી તળાવમાં બોટિંગ કરવાની તીવ્ર ઇચ્છા હતી પણ કોન્ટ્રાક્ટ ન અપાવાને કારણે ત્યાં બોટિંગ છેલ્લા 6 દિવસથી બંધ હતુ. તળાવ પાસેજ “દાંતડા સી વર્લ્ડ” નામનું માછલીઘર હતુ જે ભારતનું સૌથી મોટું માછલીઘર છે. પણ અમને ત્યાં જવાનો પણ સમય નહિ મળ્યો. મેં યાદગીરી તરીકે સ્માઇલિંગ બુધ્ધનું એક નાનુ લાકડાનુ પુતળુ ખરીદ્યુ, જે મુંબઇમાં ક્યારેય જોયેલુ નહિ. રાત્રે ખરીદેલો સામાન જોવામાં અને બેગમાં ગોઠવવામાંજ સમય પસાર થઇ ગયો.
15મી સપ્ટેંબર: દેલવાડા
આજે દેરાસર ગઇકાલ કરતા પણ વધુ ખાલી હતુ. અમે કોઇ જ્યાત્યા ફરવાના મૂડમાં નહોતા કારણકે બધા છેલ્લા ત્રણ દિવસના પ્રવાસથી થાકેલા હતા. અમારી મુંબઇ પાછા આવવાની ટ્રેન સાંજે પાંચ વાગે હતી, અને એટલેજ અમારે બે વાગે નીકળી જવાનું હતુ. જમ્યા પછી ઘણી જહેમત બાદ એક ટેક્સી મળી જે આબુ રોડ આવવા તૈયાર થઇ.
15મી સપ્ટેંબર સાંજે ચાર વાગે: આબુ રોડ
માઉન્ટ આબુથી આબુ રોડનો પ્રવાસ કોઇ ચકડોળમાં બેસવાના અનુભવ જેવો છે. નીચે ઉતર્યાના બે કલાક સુધી અમારા બધાના માથા ફરતા’તા. છ વાગે ફરી પાલનપુર સ્ટેશન આવ્યુ જ્યા પરિસ્થિતી તો બદલાઇ નહોતી, પણ મેં વધુ સારી રીતે અમુક ફોટાઓ લીધા. આ બધુ ખરે સમયે ધ્યાનમાં આવ્યુ કારણકે હમણા ટીવી પર સરકારની જ બાળમજૂરી વિરોધી એક જાહેરખબર પ્રસારિત થવાનુ શરૂ થયુ છે. કોઇક સરકારી અધિકારી આ વાંચતો હોય તો પગલા લેવા ખાસ વિનંતી.
ટ્રેનનો પ્રવાસ સરસ હતો. અમદાવાદ ટ્રેન સમય પહેલાજ પહોંચી ગઇ અને 25 મિનિટ મોડી ઉપડી. તો કુલ હોલ્ટ 55 મિનિટનો થઇ ગયો ! અમે અંતે 16મીએ સવારે સાડા સાતે મુંબઇ પહોંચ્યા. નવ વાગે ઘરે. આ આખી એક મજેદાર પણ થકવી નાખનાર ટ્રિપ હતી.
અમે બધાએ પછી એમ નક્કી કર્યુ કે આવતો પ્રવાસ જ્યારે પ્લાન કરીએ ત્યારે થોડા ઓછા સ્થળો સમાવવા, જેથી દરેક જગ્યાએ આરામથી રહી શકાય, અને વધુ થાક ન લાગે. નહીતર પછી જે પિકનિક થાક ઉતારવા અને ફ્રેશ થવા આયોજીત કરી હોય તેજ એટલી થકવી નાખનારી બની જાય કે ઘરે આવી પિકનિકનો થાક ઉતારવો પડે…
આ લેખમાં આપેલા વિવિધ ફોટાઓની ટૂંકી યાદી: